વિરહી વૈષ્ણવ નરસૈંયો ...તપ પ્રયાણ જયંતિ (ચૈત્ર સુદ સાતમ) - #GuestPost By Manisha Vaishnav

 હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ સુમિત્રાનંદન પંતે કવિતાના ઉદ્ગમ વિશે સરસ પંક્તિઓ આપી છે. તેઓ કહે છે


" વિયોગી હોગા પહેલા કવિ, આહ સે નીપજા હોગા ગાન;
 ચૂપચાપ આંખો સે બહકર, નીકલી હોગી કવિતા અનજાન ".

એ વિયોગી ઈશ્વરઘેલો, ઈશ્વરભક્ત, ગુજરાતી ભાષાનો મહત્વનો અને લોકપ્રિય આદિ કવિ છે આપણો નરસૈંયો.
   
પ્રાતઃસ્મરણીય નરસિંહ મહેતાના સાહિત્યક્ષેત્રે નામ-સ્મરણ વિના સાહિત્યનું શિવાલય અપૂજ રહી જાય 






    કવિતા એ તપશ્ચર્યાનો પ્રકાર છે, ઉપાસના છે.

     કવિ કલાપીએ કહ્યું છે: " હતા નરસિંહ અને મીરાં ખરાં ઈલ્મી ખરાં શૂરાં".

      ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાનો જન્મ વિક્રમ સંવત ૧૪મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં પ્રાચીન નગરી તળાજામાં થયો હતો. તરુણ વયમાં ભાભીનાં મહેણાં અસહ્ય લાગતાં, તેમણે ગૃહત્યાગ કર્યો ,અને એક અવાવરૂ શિવાલયમાં બેસીને સતત સાત દિવસો સુધી મહાદેવની આરાધના કરી. સ્વપ્નમાં એમને દર્શન આપીને ગોપેશ્વર મહાદેવે એમને દ્વારકા જવાનો આદેશ આપ્યો.

       દ્વારિકા જઈને યશોદાનંદન શ્રીકૃષ્ણની મૂર્તિના દર્શન કરતાં જ, એમના મનમાં બત્રીસ કોઠે અલૌકિક તેજના દીવા પ્રગટી ઉઠ્યા .એમના અંતરમાં નિનાદ કરતું કવિતાનું ઝરણું ફૂટી નીકળ્યું. દ્વારિકાના ત્રણ માસના વસવાટમાં એમનું મન અને તન ,પ્રેમલક્ષણા ભક્તિના રંગથી નખશિખ રંગાઇ ગયું.

        વ્રજવલ્લભ વેણુમાધવની વાંસળીનો મધમીઠો નાદ અહર્નિશ એમના કર્ણપટ પર ગુંજવા લાગ્યો. એમના માનસચક્ષુ સમક્ષ ગોપીવલ્લભ નટખટ નંદકિશોરની બાળલીલા, દાણલીલા, ને રાસલીલાઓ સાકાર થઈ ઉઠી.

         દ્વારકામાં કૃષ્ણભક્તિ લીલામૃતનું આકંઠ પાન કરીને તેઓ ગિરિનગર જૂનાગઢમાં આવીને રહેવા લાગ્યા. પત્નિ માણેકબેન, પુત્ર શામળશા અને પુત્રી કુંવરના સથવારે એમના સંસારનું રગશિયું ગાડું ગરીબીનો બોજ વેંઢારીને મંથરગતિએ ચાલવા લાગ્યું.

          ભગવાન શ્રીકૃષ્ણના પદ્મચરણોમાં અતૂટ શ્રધ્ધાથી પોતાનું મસ્તક મૂકીને જિહ્વા પર નિરંતર કૃષ્ણનામનું રટણ કરતા આ પરમ વૈષ્ણવને જીવનમાં જ્યારે પણ વિપદાની વેળા આવી પડી, ત્યારે એમને દૈવી સહાય મળતી રહી. આમ ભક્તવત્સલ ભગવાને પોતાના આ પરમ ભક્તની ગરિમાની રક્ષા કરી.

          ભક્તિ અને સાહિત્યપ્રીતિના સંસ્કાર એમના પિતા કૃષ્ણદાસ અને કાકા પર્વતદાસ તરફથી મળ્યા હતા. કિશોર વયમાં જ એમને વેદ-ઉપનિષદના વાંચનમાંથી તત્વજ્ઞાન અને કૃષ્ણભક્તિની સંજીવની સાંપડી. ભક્ત કવિ જયદેવનું 'ગીતગોવિંદ' એમની કાવ્યરચનાઓનું પ્રેરણાસ્ત્રોત બની ગયું.

           વારકરી સંપ્રદાયના નામદેવ જેવા સંત કવિઓ અને સંત કબીરની રચનાઓએ એમને પ્રભાવિત કર્યા. એમના ભાવવિભોર ચિત્તમાંથી કૃષ્ણભક્તિની સરવાણીઓ કવિતા સ્વરૂપે અસ્ખલિત વહેવા લાગી.

           નરસિંહ મહેતાની કવિતાઓમાં ભક્તિ,શૃંગાર અને તત્વજ્ઞાનનો સંગમ રહેલો છે. અલંકાર શાસ્ત્રનું જ્ઞાન અને શાસ્ત્રીય રાગરાગિણી ઉપરનું એમનું પ્રભુત્વ આપણને મંત્રમુગ્ધ કરી મુકે છે. ચાલો, આપણે એમના ભાવવિશ્વમાં પ્રવેશ કરીને એમની અમૃતવાણીનું આચમન કરીએ.

           વેદની ઋચાઓમાં મૂકી શકાય એવી આ કાવ્ય પંક્તિઓની સુંદરતા અવર્ણનીય છે :

           "નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તે જ હું તે જ હું શબ્દ બોલે .."
      
ઝૂલણા છંદનો ઝૂલો બાંધીને  બિલાવલ રાગની બંદિશમાં બાંધેલી એમની અમર રચના પાંચ-પાંચ શતાબ્દીથી ગરવી ગુજરાતણોનું પ્રિય બની ગયેલી છે.

 અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
  જૂજવે રૂપે અનંત ભાસે 
  દેહમાં દેવ તું તેજમાં તત્વ તું 
  શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે 
  
સહસ્ત્ર રશ્મિના સુવર્ણકિરણો જેવી એમની સહસ્ત્ર પદાવલિઓ એમને "સાહિત્યસૂર્ય"નું બિરુદ અર્પે છે.

 ગુજરાતી સાહિત્યને આદિ કવિ  શ્રી નરસિંહ મહેતાએ ઓજસ બક્ષ્યું છે. ભક્તિયોગ ના પ્રવર્તક આ મહાન કવિને શત શત વંદન.
 

 5/1/1992
 પ્રણવાનંદ સંસ્કૃત ભવન રાજકોટમાં નરસિંહ મહેતા ઉપર પરિસંવાદ વખતનું વક્તવ્ય
 

--- મનિષા યોગેશ વૈષ્ણવ

મુંબઈ/રાજકોટ








#ManishaVaishnav




                            Other Trending Topics





                                My YouTube Channel








No comments :

//