શિયાળાના સુપર હીરો
અડદીયો
‘જે ખાય અડદ, તે થાય મરદ’ કહેવત ન સાંભળી હોય તો હવે સાંભળો...
અડદનો કરકરો લોટ, શેકાવાની સુગંધ, શેરીના નાકા સુધી પ્રસરે છે.
શિયાળાનું મનભાવન,આરોગ્યવર્ધક, ચિત્તપ્રસન્ન કરે તેવું વાનગીવસાણું એટલે ,'અડદીયો'
(૧) અડદનો કરકરો લોટ
આરોગ્ય માટે પુષ્ટિદાયક,ને ઠંડીની ઋતુમાં સુપાચ્ય ગણાય છે
(૨) સાચું દેશી ઘી
'દેવુ કરીને ય ઘી પીવો" આમ વડિલો કહેતા.આવા લબાલબ ઘી મા જ્યારે લોટ શેકાઈને રાતો બને,તેની સુગંધની તો વાત જ શું કરવી! ઘી ની સ્નિગ્ધતા, લોટને હળવો બનાવે છે.સાચા ઘી ના મહત્તમ ગુણો છે. (ઘી ની વિસ્તૃત માહિતી મેળવો, તમારા શરીરની તાસીરને અનુકૂળ હોય તો તેનું સેવન કરો.)
(૩) ખડી સાકર,ખાંડ કે ગોળના ઉપયોગથી લાડુ મિષ્ટ બને છે. ચાસણી કે દળ ઠંડુ થયા બાદ પ્રમાણ અનુસાર ઉમેરવામાં આવે છે.
ખાવાનો ગુંદ, બદામ, એલચી, લાડુની પૌષ્ટિકતા તથા સ્વાદમાં વધારો કરે છે તથા સૂંઠ, લાડુને સુપાચ્ય બનાવે છે
આમ અડદીયો સર્વસ્વીકાર્ય મધુર મિષ્ટાન્ન છે. શિયાળાની ઠંડીથી રાહત પામવાનું કવચ છે.
શું તમને શેકાતા અડદીયાની સુગંધ આવી? હા,તો ખૂબ ખાઓ તમને કોરોના નથી.(સુગંધ આવી એટલે... આ તો જરા અમસ્તુ)
આ સાથે એક ખાસ અગત્યનું સૂચન...
જન્મદિન નિમિત્તે 'મેંદાની કેક’ નો આનંદ લઈએ છીએ તો ચાલોને 'તગડા થવા, શક્તિશાળી બનવા ‘અડદીયા લાડુ’ કે ‘ચૂરમા લાડુ’ ને પાર્ટીમાં શામેલ કરીએ! એક વાર આયોજન તો કરો, દાઢમાં સ્વાદ રહી જાશે.
શિયાળે અડદીયા,
ને ઉનાળે કેરીના રસ
ચોમાસે ભલા છમ્ વડા ને
બારે માસ લીલા લહેર
!
યૌવનનું કવચ--- આમળા
આમળા ... રંગે લીલા
અને સ્વાદે ખાટા... તુરા ... શિયાળામાં શાકભાજીની દુકાને પ્રચૂર માત્રામાં જોવા
મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો ઢગલાનાં ઢગલા જોવા મળે છે.
ઇન્ડિયન ગૂઝબેરી
નામથી પ્રચલિત એવા આ ઔષધિય ‘અમૃતફળ’ વિષે કેટલીક રસપ્રદ વાતો કરીએ.
આમળામાં સંતરા કરતાં
ત્રણ ગણું વિટામીન સી હોય છે. આમળામાં ગેલિક એસીડ, ટેનીક એસીડ, ગુંદર, શર્કરા,
એલ્બ્યુમીન, સેલ્યુલોઝ અને કેલ્શિયમ હોય છે. એસીડ હોય ત્યાં જ ખાટો કે તુરો સ્વાદ
હોય ને !
આમળાનાં ઔષધીય
ગુણોને નિમ્ન શ્લોક રૂપે આલેખવામાં આવેલ છે.
हरीतकीसमं धात्रीफलं किन्तु विशेषतः।
रक्तपित्तप्रमेहघ्नं परं वृष्यं रसायनम्।
हन्ति वातं तदम्लत्वात्पित्तं
माधुर्यशैत्यतः। कफ रूक्षकषायत्वात्फलधाञ्यास्त्रिदोषजित्।
यस्य यस्य फलस्येह वीर्यं भवति
यादृशम्। तस्य तस्यैव वीर्येण मज्जानमपि निर्दिशेत्।
પિત્તના વિકારોમાં આમળા ફાયદાકારક છે. તે તેના વૃષ્ય (શક્તિ પ્રદાતા) અને રસાયણ (રોગપ્રતિકારક શક્તિ) ગુણધર્મોને કારણે કોઈપણ ચેપ સામે સહનશક્તિ અને શરીરના સંરક્ષણને સુધારવા માટે પણ કામ કરે છે. આમળા (ખાટા) સ્વાદને કારણે વાતને સંતુલિત કરે છે, પિત્તને તેની મધુર (મીઠી) અને શીત (ઠંડા) સ્વભાવને કારણે સંતુલિત કરે છે. તે તેના રૂક્ષ (શુષ્કતા) - કશ્ય (ત્રાસજનક) ગુણધર્મોને કારણે કફને પણ નિયંત્રિત કરે છે. તેથી આમળાને ‘ત્રિદોષહર’ ઔષધ કહેવામાં આવે છે. તે ઉપરાંત, તે વૃદ્ધત્વ અને વાળને સફેદ થતા અટકાવવામાં મદદ કરે છે.
આ સિવાય પણ આમળાનાં અનેક
ઉપયોગો છે.
- પાચક રસનું ‘ઉદ્દીપન’ કરી ને આમળા
પાચનમાં સુધારો કરવામાં સહાયરૂપ બને છે.
- આમ ચયાપચય
(મેટાબોલીઝ્મ) સુધરવાથી આમળા PPAR-α
નું સ્તર, કે
જે લીપીડ અને કોલેસ્ટેરોલ ના ચયાપચયમાં સંકળાતું મુખ્ય પ્રોટીન છે, તને
વધારવામાં મદદ કરે છે, જેનાથી શરીરમાં કુલ
કોલેસ્ટ્રોલ, LDL કોલેસ્ટ્રોલ, VLDL કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઈડ્સનું સ્તર ઘટે છે.
- ‘રેચક’ ગુણધર્મને કારણે
પેટની સફાઈ કરવામાં પણ ‘જોશભેર’ મદદ કરે છે. અને ‘જેનું પેટ સાફ, એના દર્દ
માફ’... સાંભળ્યું તો હશે જ!
- શરીરની ગરમી ઓછી કરતા
હોવાથી આંખોને સ્વસ્થ રાખવામાં* પણ ઉપયોગી છે. (*ક્લીક કરશો ... તો કદાચ વધુ જાણવા મળશે)
- એસિડિટી દૂર કરવામાં
મદદ કરે છે
- આમળા લોહીમાં શર્કરાના
સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ
અસરકારક છે. ( જે દર્દીઓ પહેલેથી જ દવાઓ લઇ રહ્યા હોય એમણે આમળાનું સેવન
ટાળવું)
- ચામડી અને વાળનું યૌવન
સાચવી રાખવા અને ચામડી પર ઘા ને રુઝાવવામાં પણ આમળા ઉપયોગી છે.
- આમળા અને લીમડાનાં પાન
સવાર સાંજ સમભાગે લેવાથી કોઢમાં રાહત થાય છે.
- હેડકી બંધ કરવામાં પણ
આમળા ઉપયોગી છે.
- આમળામાંનું વિટામીન સી,
હાનીકારક ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે જેથી પ્રત્યેક કોષનું સંરક્ષણ થાય છે.
ખાસ કરીને સ્વાદુપીંડ (જઠર) નાં ઇન્ફલેમેશનમાં ખુબ સહાય કરે છે. (એક્યુટ
પેન્ક્રિયાઈટીસનો ખાસ કોઈ ઈલાજ જોવા મળેલ નથી, મેનેજમેન્ટ થઇ શકે)
- આમળામાં રહેલું વિટામિન સી, કુદરતી મારક કોષોની
પ્રવૃત્તિમાં વધારો કરવા માટે જાણીતું છે જેઓ કેન્સર કારક કોષોના ભંગાણ તરફ
દોરી જાય છે. આમળા, ટોપોઆઇસોમરેઝ અને CDC 25 ટાયરોસિન ફોસ્ફેટેઝ ઉત્સેચકોને અટકાવીને
અમુક અંશે કેન્સરના કોષોના વિકાસ અને ગુણન ને પણ અટકાવે છે.
- ક્યારેક ઘા માંથી લોહી
બંધ કરવા માટે પણ કારગર સાબિત થાય છે.
આયુર્વેદાચાર્યોનાં તારણો અને મારા કેટલાક અનુભવો સાથે સાથે કેટલાક આધારભૂત સૂત્રોના સંદર્ભોનો
સાર અહી રજૂ કર્યો છે. એ મારો સ્વાનુભવ છે કે આંખોનાં નંબર ઘટાડવા માટે બે કાચા
આમળા બપોરે અને બે કાચા આમળા રાત્રે જમ્યા બાદ નિયમિત રીતે લેવાથી ફાયદો થાય છે.
આમળા કાયાકલ્પ કરીને દીર્ઘાયુ પ્રદાન કરે છે.
આમ આમળા ઉપર ગ્રંથ
લખી શકાય છે. અહી સંક્ષિપ્તમાં સમાવવાની કોશીષ કરી છે.
એ આપણે સહુ જાણીએજ
છીએ કે આમળાને વિવિધ રીતે આરોગી શકાય છે. જેમાં મુરબ્બો, અથાણું, ચટણી, મુખવાસ,
શરબત અને સર્વોત્તમ સંયોજન એવું ચ્યવનપ્રાશ છે જેમાં વિવિધ તેજાના પડે છે પણ આમળા
એમાં મુખ્ય હોય છે. બજારમાં આયુર્વેદિક ટેબલેટ અને સીરપનાં સ્વરૂપમાં પણ આમળા
ઉપલબ્ધ છે. (ત્રિફળા ટેબલેટ કે ચૂર્ણ આમળા-બહેડાં-હરડે ના મિશ્રણથી જ બને છે.)
ઉપરોક્ત વૈવિધ્ય
હોવા છતાં મારો દ્રઢ અભિપ્રાય છે કે જે સ્વરૂપમાં કુદરતે આમળા માણસને ભેટ સ્વરૂપે
આપેલ છે એ જ સ્વરૂપમાં સેવન કરવું જોઈએ.
તો ચાલો, ઘર આંગણે
આમળા નું વૃક્ષ વાવીએ, તેનું જતન કરીએ અને ચિરાયું રહીએ.
‘આંખે ત્રિફળા,
દાંતે લૂણ; પેટ ન ભરવું ચારે ખૂણ’ ... નિરોગી રહેવા માટે આ સોનેરી સૂત્રને હંમેશ ગાંઠે બાંધી લેવું.
આમ, શિયાળાનો ભરપૂર આનંદ માણો... સ્વસ્થ રહો - મસ્ત રહો !
મનિષા વૈષ્ણવ
(મુંબઈ / રાજકોટ)
ડીજીટલ યુગ એક આશીર્વાદ --- #GuestPost by Manisha Vaishnav
કોરોના - એક પડકાર - #GuestPost by Manisha Vaishnav
વિરહી વૈષ્ણવ નરસૈંયો ...તપ પ્રયાણ જયંતિ (ચૈત્ર સુદ સાતમ) - #GuestPost By Manisha Vaishnav
- શું તમારા ઘર માં વડીલો છે ? --- #GuestPost by Manisha Vaishnav
- શરદ ઋતુ અને આરોગ્ય --- #GuestPost by Manisha Vaishnav
- નાની-નાની રકમની લોન આપનાર બની ઊંચું વ્યાજ કેવી રીતે કમાશો ?
- દાદાજી સોગાદ વહેચી રહ્યા છે! ચાલો લૂંટવા!
- આલ્કલાઈન પાણી અને સ્વાસ્થ્ય
No comments :
Post a Comment