ડીજીટલ યુગ એક આશીર્વાદ --- #GuestPost by Manisha Vaishnav



પરિવર્તન એ જ જીવન છેપરસ્પરાવલંબન સામાજિક સત્ય છે. વ્યક્તિથી જ સમષ્ટિ બને છે અને વ્યક્તિના સમૂહથી સમાજ નું સર્જન થાય છે. સ્વ ને સ્વાભિમાની બનાવવા જીવનમાં વ્યક્તિએ ઉત્કર્ષ સાધવો એ અનિવાર્ય બન્યું છે. 

ઘણાય સમય પહેલાં, સાદા શબ્દોમાં કહીએ તો જૂના જમાનામાં સંબંધોનું મૂલ્ય અમૂલ્ય હતું માણસની જરૂરતો સીમિત હતી અને સમય સાથે ઢળી જવાની મનોવૃત્તિ હતી. પરંતુ શહેરીકરણ, શિક્ષણનું મહત્વ, સ્ત્રી સન્માન પ્રત્યેની કેળવાયેલ જાગૃતિ તથા વધતી જતી વસ્તીને કારણે ધન ઉપાર્જન ની પ્રક્રિયાને વેગવંતી બનાવવાની ધગશ અને સમજ, સમાજના બુદ્ધિજીવીઓને સમજાવા લાગી અને આધુનિક ઉપકરણો, સગવડો તથા વિચારધારામાં આમૂલ પરિવર્તનની ઝડપી શરૂઆતનાં ચિહ્નો દ્રષ્ટિગોચર થવા લાગ્યાં.

આવી પ્રસ્તાવના સાથે ચાલો, સી.....ધા ૨૧મી સદીમાં પ્રવેશ કરીએ.

‘ડીજીટલ’ શબ્દ કાને અથડાવા લાગ્યો અને તે સાથે જ આમૂલ પરિવર્તનો રોકેટ ગતિથી ગતિમાન થતા જણાયા. આજ અહીં માત્ર એક જ ઉપકરણ ‘મોબાઈલ’ (સ્માર્ટ વાળો હોં કે!) એટલે કે ‘અડો, જાણો અને પામો’ વાળા યંત્રની વાત કરશું. આ યંત્ર બાબતે અહીં વિસ્તારથી વર્ણન કરવું જરૂરી નથી સહુને જાણકારી તો છે જ. અહીં વાત કરશુ ‘અન્ય ના વિકાસમાં સમાજનો ફાળો’ બાબતે. અલબત્ત ક્યાં કોઈનેય અન્યનાં વિકાસમાં રસ હોય છે ? બીજા સુખી કેમ ? એ પીડાનો આભાસ ઘણી વાર કળી શકાય છે.  (થોડું વ્યંગ્ય પણ કરી લીધું !)

છતાં આશા અમર છે એવી આશા સાથે ચાલો થોડી વાત કરીએ.

અર્થોપાર્જનનાં રસ્તા સ્પર્ધાત્મક અને કઠિન બનતા જાય છે. વળી કોરોના ની મહામારીએ સહુની કમર તોડી નાખી છે. છતાં, જે વ્યક્તિ પોતાની સમજ અને કુશળતાથી પુરુષાર્થ કર્યા કરે છે તે ચોક્કસ પ્રગતિ કરે છે. એવો જ એક અદ્યતન પ્રકારનો પુરુષાર્થ છે ‘મોબાઈલ મારફતે ઘેર બેઠાં બે છેડાઓને સાંધવાનો’.

આજે સ્વીગી, ઝોમેટો, ડન્ઝો જેવા એપ્લીકેશન નબળા પરિવારોમાંથી આવતા યુવાનોને રોજગાર આપે છે અને સાથે સાથે ઘરઆંગણાની સેવા આપી ને વેપારી અને ગ્રાહક બંને ને સમય, શક્તિ અને ધન નો સંચય કરવામાં સહાયતા આપે છે. મુંબઈ જેવા મેટ્રોમાં ઓફીસ પહોંચીને યાદ આવે કે અગત્યનો દસ્તાવેજ ઘેર રહી ગયો કે દૂર રહેતા સગા વહાલાઓ એ ઘરમાં અથાણા બનાવ્યા હોય તો ડન્ઝો એપ વડે દસ કિલો સુધીના સામાન ને એક છેડે થી બીજે છેડે નજીવા ખર્ચે પહોંચાડી પણ શકાય છે.

એ જ રીતે ઓલા, ઉબર, મેરુ જેવી ટેક્સી સેવાઓની એપ્લીકેશન જરૂરત સમયે ચાલક સાથે ની ટેક્સી ઉપલબ્ધ કરાવી આપે છે... આપણે શા માટે ડેપરીશિયેટ થતી એસેટ (અવમૂલ્યન પામતી અક્સ્ક્યામત) વસાવવી ! વટ ઓછો પડે તો વાંધો નહિ, મહેનતની મૂડી યોગ્ય જગ્યાએ રોકાણ પામે એ જ સારું !

કહ્યું છે ને ‘નેસેસીટી ઈઝ ધ મધર ઓફ ઇન્વેન્શન’ ... ‘આવશ્યકતા, આવિષ્કારની જનેતા છે’ એ જ રીતે દરેક પ્રવૃત્તિઓની પરંપરાઓમાં જે મર્યાદાઓ હોય છે, ડીજીટલ માધ્યમથી આ મર્યાદાઓ નગણ્ય બનતી જાય છે.

જેમ કે કોઈ પાસે કુશાગ્ર વ્યાપારી બુદ્ધિ હોય પણ વાતાવરણ પ્રતિકૂળ હોય તો એ જ્ઞાન જ ન મળે કે ‘શ્રી ગણેશ’ ક્યાંથી માંડવા. પણ હવે તો ગૂગલ અંકલ અને અલેક્સા આંટીને પૂછો એટલે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ માહિતીઓ આવી જાય જે માર્ગદર્શન કરે અને જોત-જોતામાં વ્યક્તિનું ‘સ્ટાર્ટઅપ’ શરુ થઇ જાય.

એ જ ઇન્ટરનેટના યૂ-ટ્યૂબ, ફેસબુક, ટ્વીટર જેવા સોશ્યલ મીડિયા ચાલકો અને વોટ્સ એપ, સિગ્નલ, ટેલિગ્રામ વગેરે માધ્યમો થી થઇ શકનારી જાહેરાતોની મદદથી એ સ્ટાર્ટઅપનો ફેલાવો થાય અને વ્યક્તિના પરિવારના તથા વર્તુળમાં રહેલ સભ્યો નો સહકાર મળતાં પ્રગતિ પણ થાય !

પરંપરાગત રીતે જે માનવ સંસાધન (હ્યુમન રિસોર્સ) ની મર્યાદાઓ હતી, તે સાથેના જે દૂષણો પણ હતા તે પણ ઇન્ટરનેટે લગભગ નિર્મૂળ કરી દીધા છે. ફ્રીલાન્સ કામ કરીને કેટલાય લોકોને ઘેરબેઠા રોજગાર અને સંસ્થાઓને કામદારો ઓછા ખર્ચે મળવા લાગ્યા છે. વિશ્વની દરેક કંપનીને દેવું કરીને પણ વ્યાપ વધારવાની ઈચ્છા છે જે ડીજીટલ ક્રાંતિને કારણે સાર્થક પણ થવા લાગી છે.

પરંપરાગત રીતે પૈસાની લેવડ-દેવડમાં જે મહેનત કરવી પડતી, જવાબદારીપૂર્વક કાળજીઓ રાખવી પડતી અને સમયનો પણ વેડફ થતો તે ડીજીટલ ક્રાંતિને કારણે મોબાઈલ અને ઇન્ટરનેટથી પળવારમાં જ થઇ જાય છે. અરે...કોઈને ચૂકવણું કરવાનું હોય કે ચાંદલો મોકલવાનો હોય, તો ફક્ત સામે વાળાના મોબાઈલ નંબર થી જ તેના બેંક ખાતામાં પૈસા મોકલી શકાય છે. (યુ.પી.આઈ. વડે). ચેક, ડ્રાફ્ટ, રોકડની કડાકૂટ જ નહિ!  તેના હિસાબ પણ ડીજીટલ રીતે ઉપલબ્ધ રહે છે. અડધા ભાગના ‘પુરુષોનાં પેન્ટનાં પાછલા પોકેટ' હળવા થઇ ગયા છે...નહિ ? 

ટેલેન્ટ હશે, સમય સાથે કદમ મેળવતા આવડતું હશે, મૂડી રોકાણ અને વપરાશનું જ્ઞાન હશે અને સાથે સાથે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (I.O.T.- ઈન્ટરનેટ વડે ચલિત તમામ બાબતો) નો ઉપયોગ કરતા આવડતું હશે તો જીવનયાત્રા આનંદમય અને સમૃદ્ધ બનતા વાર પણ નહિ લાગે.

સારું લેખન આવડે છે – બ્લોગ કે ઈ-બુક લખો

એકથી વધુ ભાષાઓ આવડે છે – અનુવાદક બની ઘેર બેઠા કમાણી કરી શકો છો

ડીજીટલ દુનિયાના તજજ્ઞ છો --- ડીજીટલ માર્કેટિંગ કરી કમાણી કરી શકો છો અને પરિવારિક જીવન માણી શકો છો

ચિત્રકાર- શિલ્પી છો – ઓનલાઈન દુકાન બનાવી અઢળક કમાણી કરો

શેર બજારની સમજ છે – ક્લિક ક્લિક થી ડીમેટ ખાતા વડે તમારા બેંકનાં ખાતા છલકાવો

સારા વક્તા કે કલાકાર છો- યૂ-ટ્યુબ પર વ્લોગ/ચેનલ બનાવો,પોડ કાસ્ટ શરુ કરો


પણ હા “કર્મ નો સિદ્ધાંત” અહીં પણ લાગુ તો પડે જ. જો તમે ઈચ્છતા હોવ કે તમને કોઈ બિરદાવે કે સહયોગ કરે તો તમારે પણ અન્યોના કામને સહકાર આપવો પડે. જેમનામાં કોઈ ઓછપ હોય, તેમને તમારા જ્ઞાનનો લાભ આપો.

કોઈનાં પણ કાર્યને ઈન્ટરનેટ પર ‘લાઈક – થમ્સ અપ’ આપવામાં, સબસ્ક્રાઈબ કરવામાં કે અન્યોને આગળ ફોરવર્ડ કરી પ્રચાર કરવામાં હિસ્સો આપવામાં એક પાઈનો પણ ખર્ચ થતો નથી. પણ એ રીતે તમે એ રચનાકારને અજાણતા જ ઘણી સહાય કરી આપો છો.

જેમ કે... તમારા કોઈ મિત્ર એ યૂ-ટ્યૂબ પર એક રચના મૂકી હોય... તમે તેને તમારા વર્તુળ માં વહેંચો તો એ વ્યક્તિનાં કાર્યનો વ્યાપ વધારવામાં મદદ મળે છે, જેથી તેને મળતી તકો પણ વધે છે...આમ તમે શક્યતાઓ વધારવામાં તેને જાણતા-અજાણતા સહાયક બનો છો.

કરોડોનું દાન આપવું અને કરોડો સુધી એક રચનાકારને પહોચવામાં મદદ કરવી... કયો વિકલ્પ સન્માનજનક લાગશે એ તમે જ એક રચનાકાર બની કલ્પના કરી શકો. દાન આપવાનો આ એક શ્રેષ્ઠ ડીજીટલ વિકલ્પ છે.

હા, ફક્ત એ જ જરૂરી છે કે, જેમને આપણે ‘મિત્ર’ કે પરિવારની વ્યક્તિ “કહીએ છીએ” તેને મન નાં ઊંડાણથી હકીકતમાં પણ ‘મિત્ર’, ‘સ્વજન’ કે ‘આપણું માણસ' માનતા હોવા જોઈએ. ચીનની દિવાલ કરતાં પણ ઊંચી એવી અહં ની દિવાલ, જ્વાળામુખીથી પણ ઊગ્ર એવી ઈર્ષ્યાવૃત્તિ અને પ્લેટીનમ ધાતુ કરતા પણ સખ્ત એવી દ્વેષની ભાવના થી પર રહેવાની સાધુતા હોવી પડે.

LOVE is not in what we show; LOVE is in what we do!

આ તો ... વડીલોને કે કોઈ પણ કલાકારને ફેસબુક પર તેમની કૃતિઓને રજૂ કરતા જોઈએ ત્યારે વિચાર આવે કે એક ફક્ત થમ્સ અપ આપવાથી કે કમેન્ટ માં ઊત્સાહ વર્ધક શબ્દો લખવાથી પણ કોઈના જીવનમાં જીવંતતા લાવી શકાય. 

બસ, પ્રમાણિક ઈચ્છાશક્તિ અને નિષ્કપટ મન રાખી જે અન્યને ટેકો આપીને તે વ્યક્તિનો ઉત્કર્ષ સાધવામાં મદદરૂપ થાય છે, તેને સમગ્ર વિશ્વ વસુધૈવ કુટુમ્બકમ દ્રષ્ટિગોચર થાય છે.

 

 --- મનિષા યોગેશ વૈષ્ણવ

મુંબઈ/રાજકોટ





#ManishaVaishna


 Other Trending Topics





 My YouTube Channel













8 comments :

MD said...

બહુ સરસ લેખ

Anonymous said...

ખૂબ સાચી વાત એકદમ સરળતાથી આલેખી છે.વાહ.

naresh dodia said...

Superb article 👍👍👍

naresh dodia said...

Naresh K. Dodia

Unknown said...

Hello Manishaben, Devyani Desai here.congratulations aa digital world na lekh mate.
Samay Sathe j madam milavine chale chhe EJ jite chhe.darek person digital world badha aspects no use Karine , potano time vadhu samruddha thavama pasar Kari shake chhe.khoob saras vivaran chhe.uprant tame aa samay ma potani telant olkhine Kai rite aagal badhi shakay chhe e pan janavyu. Insaniyat no NATO pan batavyo.mane tamaro lekh bahu gamyo.

Anonymous said...

Very nice article.

Anonymous said...

Very nice article.

Ujjaval* said...

Thanks friends I have conveyed and read all your messages to the original author of this post Mrs. Manisha Vaishnav -my mother.

//