આપણો 'રોટલો' --- ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટસ --- #GuestPost by Manisha Vaishnav

 


રોટલો - ગોળ - માખણ અને ઓળો આરોગવાના શોખીન મિત્રો, આનંદો ! ૨૦૨૩ “ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટસ” જાહેર થયેલ છે. એ પણ ભારતનાં સુઝાવ પર ... ૭૭ દેશોની માન્યતા મળ્યા બાદ ...  યુ.એન.(સંયુક્ત રાષ્ટ્રસંઘ) દ્વારા!

એટલી ખુશી થઈ ગઈ, કે એક કવિતા જ બનાવી નાંખી! બાજરાના પ્રેમમાં હો! 

 

બાજરો કહે,હવે મારો વારો”

રોંઢો હોય કે હોય વાળુ,

હું જ સૌને યાદ આવું.


     
 ગરમ રોટલો,ઘી ને ગોળ
      
સોડમ પ્રસરે ચારેકોર;
      
વઘારેલ રોટલો, હોટલની શાન!
      
રાગીનું વધ્યું, યુ-ટ્યૂબ પર ગાન


 તાવડી-ચૂલાનું વધ્યું માન;
‘જૂનું તે સોનું’,લાધ્યું જ્ઞાન !
રોગનાશક ને અણમોલ ધાન,
બાજરીનું આવે, પ્રથમ સ્થાન !


 
 યુ.એન. સ્તરે ગુંજ્યું નામ
  
"મિલેટ"ઠલવાશે, ગામે-ગામ !     

  બે હજાર ત્રેવીસ (૨૦૨૩) થી પચ્ચીસ, કરી લેજો મારું યશ-પાન!

   જય હો - જય  હો,  

   જય-જય-જય હો, 

   મેરા ભારત-દેશ મહાન!

હવેથી, મિષ્ટાન્નની અવેજીમાં 'દુધિયો બાજરો' ઘણી જગ્યાઓએ પીરસવામાં આવશે...

એવી શું જરૂરત પડી કે આ વર્ષ મીલેટસને નામે થયું ?   

આમ તો બાજરાની સાથે સાથે કાંગ, કુટકી, કોદરા, સામો, રાગી અને જુવાર પણ મીલેટસ જ છે! આપણે બાજરાને કેન્દ્રમાં રાખીને વાત કરીશું. 



 બાજરી એ વિશ્વમાં સૌથી જૂના ઉગાડવામાં આવતા અનાજોમાંથી એક છે અને હજારો વર્ષોથી, લગભગ સિંધુ સંસ્કૃતિથી સમગ્ર આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ઉગાડવામાં આવે છે. બાજરીનો ઉપયોગ રોટલા-રોટલી, પૌવા અને અન્ય વાનગીઓ બનાવવા માટે થઈ શકે છે. આજે પણ સમગ્ર વિશ્વમાં બાજરો મુખ્ય ખોરાક છે.લગભગ ૧૩૧ જેટલા દેશોમાં બાજરીનું ઉત્પાદન થાય છે જેમાં ભારત એકલું જ વિશ્વના ઉત્પાદનનાં પાંચમાં ભાગ જેટલું ઉત્પાદન કરે છે! જોકે ૧૯૬૦ પહેલાંનાં ભારતનાં ઉત્પાદનનાં ફક્ત ૬% જેટલુંજ ઉત્પાદન અત્યારે ભારતમાં થાય છે.

સસ્તા અનાજ વિતરણમાં ઘઉં અને ચોખાને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વળી ઘઉંમાં રહેલ પ્રોટીન – ગ્લુટન તેને રોટલી બનાવવાની સરળતા બક્ષે છે!

બાજરો સમશીતોષ્ણ, ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધ કે સૂકા પ્રદેશોમાં પણ ઊગી શકે છે. એટલો સીધો-સાદો છે કે તેને ખરાબ માટી પણ ચાલી જાય છે! તેને પ્રકાશ હોય કે ન હોય બહુ ઓછો ફરક પડે છે. તેના પર તાપમાન ના વધઘટની પણ અસર થતી નથી. બાજરો – રાગી ને જંતુનાશકની પણ જરૂરત નથી હોતી તેમજ પાણીની પણ બચત કરે છે.... ચોખા ઊગાડવામાં જોઈએ તેનાથી ત્રીજા ભાગની ! બોલો છે ને કમાલની વાત!

હવે જોઈએ બાજરાનાં આરોગ્યલક્ષી લાભો... 

મીલેટસ નિયાસિનથી પણ સમૃદ્ધ હોય છે, જે આપણા શરીરને 400 થી વધુ એન્ઝાઇમ પ્રતિક્રિયાઓનું સંચાલન કરવામાં મદદ કરે છે. નિયાસિન તંદુરસ્ત ત્વચા અને અંગના કાર્ય માટે પણ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, તે એટલું મહત્વનું સંયોજન છે કે તેને સમૃદ્ધ બનાવવા માટે ઘણીવાર પ્રોસેસ્ડ ફૂડ્સમાં ઉમેરવામાં આવે છે.

બાજરી બીટા-કેરોટીનનો પણ ઉત્તમ સ્ત્રોત છે. આ કુદરતી રંગદ્રવ્ય એન્ટીઑકિસડન્ટ અને વિટામિન A ના અગ્રદૂત તરીકે કામ કરે છે, આપણા શરીરને ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે અને આંખોના સ્વાસ્થ્યને બળ આપે છે.

બાજરીનાં અન્ય સ્વાસ્થ્ય લાભો પણ છે, જેમાં નીચેના લાભોનો સમાવેશ થાય છે:

બ્લડ-સુગર નિયંત્રિત કરવું

બાજરીમાં સાદા કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું છે અને જટિલ કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ છે, જે તેને લો-ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ખોરાક બનાવે છે. આનો અર્થ એ છે કે પ્રમાણભૂત ઘઉંના લોટ કરતાં બાજરી પચવામાં વધુ સમય લે છે. લો-ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ખોરાક ખાધા પછી આપણા બ્લડ સુગરને વધવાથી રોકવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસનાં દર્દીઓમાં તેમના બ્લડ-સુગરના સ્તરને વધુ સરળતાથી નિયંત્રિત કરી શકે  છે.

પાચન અને આરોગ્યનો સુધારો

બાજરી દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના આહાર ફાઇબરથી સમૃદ્ધ છે. બાજરીમાં અદ્રાવ્ય ફાઇબરને "પ્રીબાયોટિક" તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે કે તે આપણા પાચન તંત્રમાં સારા બેક્ટેરિયાને ટેકો આપે છે. આ પ્રકારના ફાઇબર, મળ માં જથ્થો ઉમેરવા માટે પણ મહત્વપૂર્ણ છે, જે આપણને નિયમિત રહેવામાં મદદ કરે છે અને આંતરડાના કેન્સરનું જોખમ ઘટાડે છે.

હૃદયનું રક્ષણ

બાજરીમાં રહેલ દ્રાવ્ય ફાઇબર, લોહીમાંનાં "ખરાબ" કોલેસ્ટ્રોલનું (LDL) પ્રમાણ ઘટાડવામાં મદદ કરી શકે છે – જે એથરોસ્ક્લેરોસિસ માટેનું જોખમ પરિબળ છે. દ્રાવ્ય ફાઇબર, પેટમાં જેલમાં ફેરવાય છે અને કોલેસ્ટ્રોલને શોષી લે છે, જેનાથી તે આપણા તંત્રમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી શકે છે.

કેટલાક અભ્યાસો દર્શાવે છે કે બાજરી તમારા "સારા" કોલેસ્ટ્રોલનું (HDL) સ્તર પણ વધારી શકે છે અને ટ્રાઇગ્લીસેરાઇડ્સ ઘટાડે છે. કારણ કે કોલેસ્ટ્રોલ હૃદય રોગ માટે એક મોટું જોખમી પરિબળ છે, નિયમિતપણે બાજરી ખાવાથી, હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે.

પોષણ લક્ષી લાભ

બાજરી પોટેશિયમથી સમૃદ્ધ છે - એક ખનિજ જે સ્વસ્થ કિડની અને હૃદયના કાર્યને ટેકો આપે છે. પોટેશિયમ ચેતા સિગ્નલ ટ્રાન્સમિશનમાં પણ ભૂમિકા ભજવે છે, જે તમારા મગજ અને સ્નાયુઓ કેવી રીતે વાતચીત કરે છે તનું નિયમન કરે છે.

સ્ત્રીઓ અને બાળકોમાં જોવા મળતા લોહતત્વ ની ઊણપને પૂરી કરવા બાજરી આયર્નનો એક ઉત્તમ સ્ત્રોત પણ છે.

આમ, બાજરી માં વિટામિન A, વિટામિન B, ફોસ્ફરસ, પોટેશિયમ, એન્ટીઑકિસડન્ટો, નિયાસિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્વ જેવા ઘટકો રહેલ છે. ગ્લુટન મુક્ત હોવાથી હાયપો થાયરોઇડનાં દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ છે!

ઘઉં અથવા મકાઈ જેવા અન્ય અનાજની જેમ, બાજરી એ ઓછી કેલરીવાળો ખોરાક નથી. સ્વસ્થ વજન જાળવવામાં મદદ કરવા માટે તમારે મધ્યમ માત્રામાં બાજરી ખાવી જોઈએ. બાજરીને જ્યારે રાંધવામાં આવે છે ત્યારે તે વિસ્તરે છે, તેથી ખાતરી કરો કે તમને ખરેખર કેટલી રોટલી/રોટલાની જરૂરત છે.

આમ, 'મીલેટ' તરીકે જાણીતા બાજરા (તેમજ જુવાર અને રાગી) ના ઉત્પાદન અને ઉપયોગ માટે જાગરૂકતા વધારવા આ વર્ષ બાજરાને નામ કરવાની જરૂરત પડી, જેનો ફાયદો વિશ્વસ્તરે થવાનો છે.

ચાલો... રજા લઉં... ફરી મળીશું !

 

--- મનિષા વૈષ્ણવ

(મુંબઈ / રાજકોટ)

 


અન્ય બ્લોગ પોસ્ટ


2 comments :

Anonymous said...

Waah!
Very good article and information

Ujjaval* said...

Thank you very much... conveyed to Manisha ben

//