સૂત્રધાર --- એક કલાત્મક વ્યવસાયી - #GuestPost by Manisha Vaishnav

 


        પ્રેક્ષકો અને કલાકારને એકમેક સાથે પોતાના છટાદાર શૈલી અને મધુર અવાજ તથા સુંદર વિષય અનુસાર જ્ઞાન દ્વારા જે જકડી રાખે છે, સમગ્ર સમૂહને આનંદિત તથા શિસ્તબદ્ધ રાખે છે તે ઉત્તમ સૂત્રધાર છે. શિકાગોમાં "અમેરિકાનાં મારા બહેનો અને ભાઈઓ" થી તાળીઓનો ગડગડાટ મેળવનારા સ્વામી વિવેકાનંદ હોય કે "મિત્રો" ના સંબોધનથી સમગ્ર વિશ્વના વડાઓ સાથે મૈત્રી કેળવી બતાવનાર આપણા તત્કાલીન પ્રધાન મંત્રી શ્રી હોય... આઈ.આઈ.એમ. ના સ્નાતક શ્રી હર્ષા ભોગલે હોય કે વર્તમાન સમયનાં રમૂજી એવા મનીષ પોલ હોય ... સૂત્રધાર કોઇપણ પ્રસંગની કરોડ રજ્જૂ સમાન હોય છે.

      આપણે સહુ સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા જતા હોઈએ છીએ. નાના કે મોટા આયોજનો સમૂહના સાથ થી જ યોજાય છે. આયોજકો, કલાકારો, વાદ્યવૃન્દ કે માહોલને લગતા કોઈ પણ વિષય હોય, ચાહે મોટીવેશનલ સ્પીચ હોય, કોલેજ ફંકશન કે પછી કથા કે નાટક કે સંગીત તથા હાસ્યરસ કે ડાયરો હોય, સૂત્રધારની હાજરી વિશિષ્ટ રંગત લાવે છે. તે પછી ભલેને પ્રત્યક્ષ હોય કે પરોક્ષ !    

તમે જ વિચારો, રવિ શાસ્ત્રીએ બોલેલ... "એન્ડ ધોની ... ફીનીશીસ ઓફ્ફ ઈન સ્ટાઈલ" વાળું વાક્ય... તમારા માનસપટ પર શું આખું એ ઐતિહાસીક વિજય દ્રશ્ય લાવી દેતું નથી ? 

    આ તાકાત છે શબ્દો, શૈલી, ટોન અને પ્રસંગ સાથેનાં ઔચિત્યની !

       સૂત્રધાર ધીરજવાન, વક્તૃત્વ કળામા પારંગત તથા વિપરીત ટીકા ટિપ્પણ કે અતિ ઉત્સાહિત પ્રતિભાવને કુશળતાથી, પોતાની પ્રતિભાથી તટસ્થ, નિર્ણાયક તથા યોગ્ય જવાબ આપી શકે તેવો હોવો જોઈએ .

  હાજરજવાબી તથા પોતાની જવાબદારી સમજી શકે તેવો સૂત્રધાર, ક્યારેય કલાકારની ભૂલ કે નબળાઈ ને છતી થવા દેતો નથી.

મને યાદ છે, નેવુંનાં દશક કે તે પહેલાં એક વખત ભારત અને ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ શ્રેણીમાં ભારતની ટીમ ઓસ્ટ્રેલીયા ગઈ હતી... એ સમયે થર્ડ અમ્પાયર કે રીવ્યુ સીસ્ટમ વગેરે ન હતા... 'લીટ્ટલ માસ્ટર' તાજેતરમાંજ નિવૃત્ત થયેલ અને તેઓ કોમેન્ટેટર તરીકે કાર્યરત થયેલ. એ શ્રેણીમાં અમ્પાયરોનાં નિર્ણયોની ટીકા કરવા તેઓ બોલ્યા હતા.. "ઓસ્ટ્રેલિયા ઈઝ પ્લેયીંગ વિથ થરટીન પ્લેયર્સ ... ઈન્ક્લુડીન્ગ અમ્પાયર્સ !" એ સમયે સોશ્યલ મીડિયા પણ ન હતું એટલે કદાચ વાયરલ થવાની શક્યતા ન હતી.

આમ ઓછા શબ્દોમાં, ઘણું કહી જવાની આવડતધારી વ્યક્તિ, ઉમદા સૂત્રધાર બની શકે છે.

     એક ઝાકઝમાળ ભરેલા કાર્યક્રમમાં મારે જવાનું થયું. નવરાત્રી મહાઉત્સવ નો પ્રસંગ યોજાયો હતો માનવ મહેરામણ ઉમટ્યો હતો રાત ઘણી થઇ ગઈ હતી, ઠંડી પણ શરુ થઇ હતી. હું જ્યાં બેઠી હતી ત્યાં એક આધેડ વયના બહેન હતા. મને વારંવાર પૂછે કે "કાર્યક્રમ ક્યારે પૂરો થશે ? " પરંતુ તેઓ ઉઠવા નહોતા માંગતા. અંતે કાર્યક્રમ પૂરો થયો. મને કહ્યું ,પેલી સામે બહેન ઉભી છે ત્યાં મને લઇ જાઓ, મને થયું, તેમની દીકરી હશે, નજીક ગયા ત્યારે પેલી બેન જે એન્કર હતી તેને બાથ ભરીને બોલ્યા,બેટા આ તને સાંભળવા મોડે સુધી બેસું છું, તારું વક્તવ્ય સાંભળ્યા જ કરું તેમ થાય ! હું તો એટલે જ આવું છું. "

     એમની વાત સાચી હતી હજારો માણસો ને વાણી થી શિસ્તબદ્ધ રાખવા અને પોતાનો કાર્યભાર પણ સાચવવો એ સહેલું નથી. એ તો સ્ટેજ ઉપર જાઓ અને બોલો તો જ સમજાય કે 'કેટલે વીસે સો થાય' છે. 

હરણફાળ ભરતા સમય સાથે સૂત્રધારે વિવિધ  વિષયોનું  જ્ઞાન, સમયસર યાદ આવી જાય તેમ મહાવરો રાખવો અનિવાર્ય છે. સમૂહ,અતિથિગણ અને સંચાલકોની માનસિકતા સાચવી,સફળ આયોજન બનાવવું તેમાં મહેનત લાગતી હોય છે.

     વિષયાનુસાર માહિતી એકત્ર કરવી,અવાજ સાચવી રાખવો, તે જ સમયે આવતા પ્રતિભાવ ઝીલવા અને સ્થિતપ્રજ્ઞ રહેવું એ ખરે જ કપરું છે. પોતાના વક્તવ્ય દરમ્યાન ક્યાંય આછકલાપણું કે અભદ્ર ભાષાનો ઉપયોગ ન થાય તેવી સભાનતા હોવી ખૂબ જ આવશ્યક છે. સ્વયંનો પહેરવેશ પણ મનમોહક હોવો જરૂરી છે. કહ્યું છે ને કે "એક નૂર આદમી, હજાર નૂર કપડાં ".

ક્યારેક ક્યારેક જો શ્રોતાઓનો પ્રતિસાદ ઠંડો પડી જતો લાગે, તો કોઈ યોગ્ય ટૂચકો સંભળાવીને કે નિર્દોષ વ્યંગ્ય કરીને હાસ્યરસ પણ પીરસવો પડે કે જેથી તેમનામાં ડાબા મગજ થી જમણા મગજ તરફ 'શિફ્ટ' પેદા કરી શકાય અને તેમને વિચારોનાં તમામ બંધનોથી મુક્ત કરી, એ ઘડીએ આનંદ કરવા માનસિક રીતે તૈયાર કરી શકાય ! 

  આમ સૂત્રધાર કોઈ પણ કાર્યક્રમનો આત્મા હોય છે. 

અહીં એક વાત કહેવાનું મન થાય છે કે, કલાકારો ની જેમ સૂત્રધારની ઓળખાણ પણ જો આપવામાં આવે તો તેનો માહ્લલોય હરખાય! શું કહો છો, હુ ઠીક કહું છું ને? ખાસ કરીને, નવોદિત  હોય. પ્રખ્યાત થયા પછી તો, "મેરી આવાઝ હી પહેચાન  હૈ" તેવો ઘરોબો પ્રેક્ષકો સાથે જોડાઈ જાય  છે. "નમસ્કાર,સહુ મહેમાનોને આમંત્રણ છે આપનુ આસન ગ્રહણ કરી લો આભાર" વિવેકસભર આદેશ, કાનમાં રણક્યો,અને સભાગૃહ ભરાઈ ગયું. કે પછી શ્રી હરીશ ભીમાણીનો એ અવાજ "મૈ સમય હું" શરુ થયો અને આખુંય ભારત ટી.વી. સામે મહાભારત જોવા ગોઠવાઈ ગયું ! અને અવાજની જ વાત કરીએ તો "જી હાં બેહેનો ઔર ભાઈઓ" ની બિનાકા ગીતમાલા પર શ્રી અમિન સયાનીજી ની રણક સાંભળવા સાઠ ના દાયકામાં બધા યુવાનો રેડિયો સામે ગોઠવાઈ ગયા! આવા વક્તાઓની વાણી, ભાષા અને તેમની પ્રસ્તુતીઓ અમર જ રહેવાની ! 

 બોલવાની ક્ષમતા, એ ઈશ્વર તરફથી મળેલ અણમોલ ઉપહાર છે! તેનો વિવેકસભર ઉપયોગ કરવો જોઈએ. કેમ કે "વાણી તો બાણ કાં ફૂલ, કાં વીંધે કાં વધાવતી!" 

 વાણી એક સંજીવની છે, તેનો સદ્ઉપયોગ જીવનને  પ્રોત્સાહિત  કરવા સક્ષમ છે અને દુરુપયોગ મહાભારત પણ કરાવી દે છે! એક પરિપકવ વક્તા બહોળા સમુદાયની વિચરધારામા બદલાવ આણવાની શક્તિ ધરાવે છે અને હા ... અર્થોપાર્જન માટે પણ વક્તવ્યની કળા હાથવગી હોય તો વ્યાખ્યાતા (લેકચરર), યુ-ટ્યુબર કે કોમેન્ટેટર બની અને માં સરસ્વતી અને લક્ષ્મી, બંને વચ્ચે તમારા જીવન અને કારકિર્દી માટે બહેનપણું પણ તમે કરાવી શકો છો!

     "કોયલ ન દે કોઈને,

       હરે ન કો'નું કાગ

      મીઠા વચનથી,સર્વનો

       લે, કોયલ  અનુરાગ."

                    

મનિષા વૈષ્ણવ 

(મુંબઈ / રાજકોટ)


 

 અન્ય બ્લોગ પોસ્ટ





 


No comments :

//