શરદ ઋતુ અને આરોગ્ય
આપણે જાણીએ છીએ કે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે અને સાથે સાથે પોતાની
કક્ષાને સાપેક્ષ ૨૩.૫ અંશ જેટલા ખૂણે ઢળીને પરિભ્રમણ પણ કરે છે. આ દરમ્યાન જે તે
સ્થળના ભૌગોલિક સ્થાન મુજબ તેના પર પડતા સૂર્યના કિરણો અને આથી પ્રસરતી ઉષ્માની
વિભિન્નતાને આધારે ઋતુચક્રનું નિર્માણ થાય છે.
૨૨ માર્ચથી ૧૯ સપ્ટેમ્બર સુધીના ભાગને ભારતનાં ભૌગોલિક સ્થાન મુજબ ઉત્તરાયણનો
સમય માનવામાં આવે છે. તે સમયે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં રહે છે.
અહીં આપણે ૨૦ સપ્ટેમ્બર થી ૨૧ માર્ચ એટલે કે શરુ થતી શરદ ઋતુ વિશે વાત કરશું.
સૂચવેલ સમયગાળા દરમ્યાન ધીરે ધીરે વર્ષા ઋતુ વિદાય લે છે અને આસમાન તેજસ્વી અને વાદળો
રહિત થવા લાગે છે. પાનખર શરુ થાય છે. નદી-નાળા સ્વચ્છ થાય છે, કીટક-પતંગ જેવા
જીવજંતુઓ નાશ પામે છે અને વળી, ક્યાંક ક્યાંક સરોવરમાં કમળ ખીલેલાં જોવા મળે છે.
નવરાત્રિ, દશેરા અને દિવાળીનાં તહેવારો આ ઋતુમાં હર્ષોલ્લાસથી ઉજવાય છે.
અસરો
વર્ષાઋતુ દરમ્યાન શરીરમાં જમા થયેલ પિત્ત પ્રકોપિત થાય છે અને રોગરૂપે ઊભરાય
છે. શરીરમાં પિત્તનો ભરાવો થયા બાદ સૂર્યનાં પ્રખર તાપથી શરીરની આંતરિક ગરમી વધે
છે તેથી વાળ ખરવા, બી.પી. વધઘટ થવું, હરસ, કમળો તથા રક્ત, હૃદય અને ચર્મને લગતા રોગો જોવા મળે છે. આંખનાં રોગો
પણ જોવા મળે છે. હા, જોકે અવસાદના રોગીઓ ઘટે પણ છે. (ફાર્માકોલોજીની એન્ટી
ડિપ્રેસન્ટ દવાઓના અહેવાલ મુજબ).
પોતાનું શરીર પિત્તપ્રકૃતિ ધરાવે છે તે સમજવા માટે વડીલોએ પોતાની અનુભવવાણી
દ્વારા સમજાવ્યું છે કે –
·
પ્રથમ માટલાનું પાણી પીઓ જેમાં પ્યાલાનું ૧/૪ માપ રાખો, ત્યારબાદ ૨૦ સેકંડ બાદ
બીજો ઘૂંટડો પાણી પીવું અને જો કડવો સ્વાદ લાગે તો તેમ માનવું કે શરીરની પ્રકૃતિ
પિત્ત પ્રધાન છે.
આ સિવાય ખાટા ઓડકાર આવવા, માથું ભારે લાગવુ, ઉબકા જેવું લાગ્યા કરવું વગેરે
ચિહ્નો પિત્ત પ્રકૃતિ ધારકનાં માનવામાં આવેલ છે.
·
ઉપરોક્ત રોગોથી રક્ષણ મેળવવા સ્વયંની પ્રકૃતિની અનુકૂળતા મુજબ દૈનિક
આહાર-વિહારનું આયોજન કરવું હિતાવહ છે. કહ્યું છે ને કે “મિતાહારી સુખી ભવેત્”.
આથી પેટનો એક ખૂણો ખાલી રાખવો અને વધુમાં વધુ શક્તિ પ્રાપ્ત
કરવી આવી સમજણ કેળવવાથી તંદુરસ્ત રહી જ શકાય, તે નિર્વિવાદ છે.
ઉપચાર
સૌ પ્રથમ સ્વસ્થ રહેવું સ્વધર્મ છે તે સમજીને શરદઋતુમાં
આમળા સાથે હરડે કે આમળા સાથે ખડી સાકરનું સેવન યોગ્ય બને. ગાયનું ઘી-દૂધ પૌઆ-
ચોખા-જવ-મગ, ગોળ તથા ઋતુ દરમ્યાન ઉપલબ્ધ તાજાં ફળો અને શાકભાજીનાં રસ લેવાથી
શરીરની આંતરિક ગરબડોને નિવારી શકાય છે. કડવા લીમડાનાં માત્ર બે થી ત્રણ પાનનું
સેવન, તુલસીનાં બે થી ત્રણ તથા કાળા મરીનાં બે થી ત્રણ દાણા લેવાથી શરીર સ્વસ્થ
રહે છે તેમ મારો સ્વાનુભવ છે. થોડું વાંચન, થોડું વડીલોનું માર્ગદર્શન તંદુરસ્તી
જાળવવા માટે જરૂર મદદરૂપ થાય જ છે. પશ્ચિમનાં દેશોમાં ‘એપલ સાઈડર’ લેવાનું ચલણ છે.
શિયાળામાં આખા વર્ષ દરમિયાન શક્તિ સંચય કરવા અડદિયા, ખજૂરપાક, મેથીપાક, તલ અને
ગોળની ચીક્કી વધુ ઠંડી પડતી હોય તેવા પ્રદેશોમાં આરોગવામાં આવે છે.
દહીં તથા આથાવાળો ખોરાક પિત્ત પ્રકૃતિ ધરાવનારે ત્યજવો,
બપોરની નિંદ્રા ન લેવી તેવું સૂચન પણ આયુર્વેદ ચિકિત્સકો કરે છે.
ચંદ્ર પ્રાણાયામ કરવાથી પણ ઘણો લાભ પ્રાપ્ત કરી શકાય છે.
(દિવસે ડાબું અને રાતે જમણું નસકોરું ચાલવું જોઈએ જે સારા આરોગ્યની નિશાની છે.
ડાબું નસકોરું ચંદ્રનાડી અને જમણું નસકોરું સૂર્યનાડી કહેવાય છે.)
સહુ જાણીએ છીએ કે આપણા આયુષ્યની ગણતરી શ્વાસની સંખ્યામાં
માપવામાં આવે છે. જેથી જેટલો સમય શ્વાસ ફેફસામાં ભરી રાખીએ તેટલું આરોગ્ય સુદ્રઢ
બનાવી શકાય છે.
પદ્ધતિ
જમણું નસકોરૂ બંધ કરી, ડાબા નસકોરા વડે શ્વાસ લેવા અને
મુક્ત કરવા. આ ક્રિયા બને એટલી દિવસ દરમ્યાન જ કરવી.
આ પ્રાણાયામ લૂ લાગી હોય, સામાન્ય તાવ આવ્યો હોય, શરીરમાં ગરમી
વધી ગઈ હોય ત્યારે ખૂબ કામ લાગે છે. કિડની તથા ચામડીના રોગમાં પણ ચંદ્ર પ્રાણાયામ
ચિકિત્સા ફાયદાકારક છે.
એક સુંદર આશિર્વાદ છે. “શતમ જીવ શરદ:”. આરોગ્ય જાળવો અને
શતાયુ રહો. વડીલો પાસેથી સાંભળેલી અને અનુભવસિદ્ધ વિગત અહીં રજૂ કરી છે. તાત્પર્ય
“બહુજન હિતાય-બહુજન સુખાય” નું છે.
વ્યાયામ
ઉપચારો સાથે વ્યાયામ પણ આવશ્યક છે. ખાસ કરીને શરદઋતુમાં
તરવાનો, ચાલવાનો અને ગરબે રમવાનો વ્યાયામ ઉત્તમ છે. [નવરાત્રિનો તહેવાર આ ઋતુ
દરમ્યાન આવે છે જે દરમ્યાન ગરબે રમવાનો રીવાજ જૂના સમયથી ચાલતો આવ્યો છે. વડવાઓએ આ
રીવાજને ધર્મ તથા વિજ્ઞાન સાથે સાંકળીને બહેનોને વ્યાયામ કરવાની તક આપેલ છે. પરંતુ
સાથે વિવેક જાળવીએ, કેમ કે અતિ સર્વત્ર વર્જયેત્] કવિઓ અને જન સમુદાયની પ્રિય એવી
શરદઋતુની દરેક સવાર આનંદ લઇને આવે તેવી આરોગ્યપ્રદ દિનચર્યા બનાવીએ તો મન, વિચાર
અને કર્મ જરૂર શુદ્ધ થશે. તંદુરસ્તી સાથે શતાયુ થવાનો વિશ્વાસ દ્રઢ થશે.
તો ચાલો, તહેવારો સાથે શિયાળાની ગુલાબી ઠંડીને આવકારીએ અને
તાજગીભર્યા રહીએ. J
--- મનિષા યોગેશ વૈષ્ણવ
અંકશાસ્ત્ર ના જિજ્ઞાસુ મિત્રો માટે નો બ્લોગ...
4 comments :
શરદ ઋતુ વિશે આરોગ્હિયલક્ષી અને વૈજ્ઞાનિક અભિગમ યુક્તત સરસ માહિતી.
શરદ ઋતુ વિશે આરોગ્યલક્ષી અને વૈજ્ઞાનિક અભિગમ યુક્તત સરસ માહિતી.
ખૂબ ઊપયોગી જાણકારી આપી.મનિષાબેનને અભિનંદન.વિવિધ વિષયો પર નિયમિત લેખ લખતા રહેશો અને વાંચકોને લાભ આપતાં રહેશો.
Thank you very much... just learnt how to reply here on blogger
Post a Comment