પપ્પા... નથી જોઈતો ‘લેટેસ્ટ મોબાઈલ’

ENGLISH Readers Click Here

HINDI readers Click Here


પપ્પા... નથી જોઈતો ‘લેટેસ્ટ મોબાઈલ’




આ એક એવો પ્રસંગ છે જેને વાર્તાનો આકાર આપવા પ્રયાસ કરી રહ્યો છું. જેમ પંચતંત્રમાં ‘બોધ’ વાળી કથાઓ વર્ણવાઈ છે, એમ. આગળ એમણે જ વાંચવી જેમને સૂઝબૂઝ થી લાખો રૂપિયા કમાવાની એટલે કે તગડું નેટવર્થ બનાવવાની ઈચ્છા હોય. અને એમને તો ફોરવર્ડ કરવી જ કે જેમને માર્કેટમાં નવા આવતા મોબાઈલને તરત જ ખરીદી લેવાની ઘેલછા હોય છે.

મારા એક નિકટનાં મિત્રએ “ હા... મને પણ બનવું છે... કરૉડપતિ !!! ” વાંચ્યા બાદ થોડા સમય પછી મારી સાથે શેર કરેલ.

વાત છે ૨૦૧૯ નાં જુલાઈની... ભારતની ઈશાનમાં આવેલ પડોશી દેશના એક સજ્જન...કે જેઓ ચાર ચાર બ્રાંડના મોબાઈલ બનાવીને ભારતમાં અલગ અલગ નામથી વહેંચે છે એમણે એક ૫૪ મેગાપિકસલ કેમેરા વાળો મોબાઈલ બજારમાં ઉતાર્યો. વળી ભારતના એક લોકપ્રિય કોમેડી શો માં એ લોકો સ્પોન્સર હોવાને કારણે દર શનિ – રવિવારે ટી.વી. પર જાહેરાતો પણ જોર શોરથી થઇ.

આ જોઈને એક મધ્યમ વર્ગનાં પરિવારનાં એક દીકરાએ ઘરમાં ટમકુ મુક્યું... ‘પપ્પા... આ ફોન લઇ આપો... આમ પણ મારા આ મોબાઈલનું આ ત્રીજું વર્ષ છે... પણ એમાં કેમેરો ખાલી ૧૩ મેગાપિક્સલનો જ છે. જામી જાય... જો આ ૫૪ વાળો લઇ લઈએ... સેલ્ફીઓ કેવી જોરદાર આવે ? દાઢી ન કરી હોય તો દાઢીનો એક એક વાળ દેખાય ફોટા માં!’

પપ્પાએ પૂછ્યું... ‘કેટલાનો છે ?’ દીકરાએ ઇન્ટરનેટ પર જોયું અને કહ્યું.. ’૪૮,૦૦૦ નો છે, અત્યારનો મારો મોબાઈલ ઓનલાઈન એક્સચેન્જ કરીએ તો એના ૨,૦૦૦ આવે એટલે ૪૬,૦૦૦ જેવું થાય’ ... જે તેના પપ્પાનાં એક મહિનાના પગાર બરાબર થાય.

પપ્પા, તો પપ્પા હોય ! બાપ, બાપ હોતા હૈ ! 

જીવનના અનેક ચઢાવ ઊતાર જોયા હોય... એમને પરસેવો વળી ગયો! હાથમાં ૧૫,૫૦૦ નો મોબાઈલ ... હજુ ત્રણ જ વર્ષ થયા... ને સીધો ૪૬,૦૦૦ નો ઠેકડો !?  એમની નજર સામે સીધો એક દાખલો આવ્યો... તેમના મુંબઈના ફ્લેટનું એક વર્ષનું માસિક મેન્ટેનન્સને બાર મહિના સાથે ગુણો તો પણ ૩૬,૦૦૦ જ થાય... સીધું સવા વર્ષના મેન્ટેનન્સ જેટલું બજેટ હોમી દેવું? સીધો એક મહિનાનો પગાર ફૂંકી દેવો?! એ પણ પાછી સેલ્ફીઓ માટે કે જે અમુક સમય પછી આમ પણ ડીલીટ જ થઇ જવાની છે!

એમણે કહ્યું ‘બેટા ... આ જરા મોંઘુ પડશે... બીજા બે વર્ષ પછી માર્કેટમાં ફરી નવો મોબાઈલ આવી જશે, તને એ ગમવા મંડશે અને આ નવા મોબાઈલને કાઢવો હશે તો પણ ૫-૭,૦૦૦ થી વધુ વળતર નહિ આવે !

જુવાન દીકરા અને પપ્પા વચ્ચે સમજણના તફાવત ને કારણે થોડી ‘જમાવટ’ થઇ પણ અંતે દીકરાએ નમતું જોખ્યું... ‘તમે... પપ્પા રહેવા દ્યો... તમે એફ.ડી. ના જમાનાનાં... હું પૈસા ભેગા કરીશ ત્યારે મારી રીતે લઇ લઈશ...!’

મિત્રો.... અત્યાર સુધીની વાત...એક નાટ્યાત્મક પ્રસ્તુતિ હતી... માહોલ જમાવવા... પણ હવે જે વાત છે એ હકીકતની છે....

એ પિતા બેંકમાં કામ કરતા હતા... લોન લેવી બહુ જ સહેલી હતી... ક્રેડીટ કાર્ડ લઈને સ્વઈપ કરી ઈ.એમ.આઈ. કરી નાખવું એ થી પણ વધુ સહેલું હતું... પણ એમને એ વાતોની ખબર હતી જેની આપણામાંથી ઘણા મિત્રોને નહિ હોય...

”મોબાઈલને ઓછામાં ઓછા છ - સાત વર્ષ સાચવીને વાપર્યા બાદ જ નવો મોબાઈલ ખરીદવો જોઈએ.”

“નવી ગાડી ખરીદો...તો ઓછામાં ઓછી ૧૫ વર્ષ ચલાવવી જોઈએ. તો જ એનું મૂલ્ય વસુલાતની નજીક જાય”

“બને, તો સેકંડ હેન્ડ ગાડી ખરીદો...અને જો ખરીદો તો બે વર્ષ જૂની હોય એવી જ ગાડી ખરીદવી જોઈએ કે જેથી તેની કિંમત લગભગ અડધી થઇ ગઈ હોય અને બીજા ૧૩-૧૪ વર્ષ સુધી તેને બદલવી ન જોઈએ.”

અને... “બહુ જરૂરત ન હોય તો ... ગાડી ખરીદવી જ ન જોઈએ...” કાર પૂલીંગ, ઓલા, ઉબર, રીક્ષાઓ, મેટ્રો, બસો ભગવાને કોના માટે બનાવ્યા છે ? આપણા માટે જ તો !!!

ફાયનાન્સનાં આવા ફંડાઓ જાણતા પિતા એ દીકરા માટે ૪૬,૦૦૦ રૂપિયા બાજુ પર મૂકી દીધા અને ઈન્ટરનેટ પર પૂરેપૂરો અભ્યાસ કરી એ સમયે એક જોખમી રોકાણ કર્યું.

સોલાર ઊર્જાનો બહોળો પ્રચાર શરુ જ થયેલો અને એક ગ્રીન એનર્જી કંપની ના ૧૦૦૦ શેર ... દીકરાને નામે ખરીદીને મૂકી દીધા ... એમનો ઈરાદો એટલો જ હતો કે દસેક વર્ષ પછી દીકરાને ‘ડેપ્રીશિએશન અને એપ્રીશિએશન’ નો પાઠ ભણાવી શકાય ! રૂપિયો ક્યાં અવમૂલ્યન પામે છે...અને ક્યાં વધુ ચમકારો બતાવે છે એનો તફાવત!

માર્ચ ૨૦૨૦ માં લોકડાઉન લાગ્યા... શેરબજાર ઊંચી-નીચી થઇ... પણ ૨૦૨૩ની ફેબ્રુઆરી આવતાં આવતાં ચમત્કાર થઇ ગયો... આ જ શેર જે ૪૬ રૂપિયામાં એક લેખે ખરીદેલ... એ ૩૮૦૦ રૂપિયા જેટલો ઉપર ચઢી ગયો...

એમનું ૪૬,૦૦૦ નું રોકાણ ૩૮ લાખ ઉપરનું થઇ ગયું....! 

દીકરાને બોલાવ્યો, અને કહ્યું “ જોઈ લે... તે દિવસે, જે મોબાઈલ, તે ન ખરીદ્યો, એ આજે આપણને બધાને આજની તારીખનાં લેટેસ્ટ મોબાઈલ અપાવી શકે તેમ છે... બોલ કેટલા લેવા છે !? “ દીકરાની આંખો ફાટી ગઈ ... મોબાઈલ ને પણ પાંચ વર્ષ ઉપર થઇ ગયેલ એટલે એણે નવો... લેટેસ્ટ મોબાઈલ તો લીધો જ! પણ સાથે સાથે જીવનનું અમૂલ્ય જ્ઞાન મળ્યું કે રોકાણ એ જગ્યાએ કરાય જેમાં પૈસા ઘસાય નહિ....પણ ગુણાકાર થાય! 

વેલ, શેર બજારમાં ગમે તે થઇ શકે એ ભૂલવું ન જોઈએ. અત્યારે એ જ શેર એક વિવાદને કારણે ખાસ્સો એવો ઊતરી ગયો છે...પણ તેમ છતાં છે તો ચાર અંકોમાં જ! એટલે બાજ જેવા ચકોર હોઈએ તો જ જોખમ ખેડી શકાય, એ વાત પણ સાચી.

આશા રાખું છું કે આ પ્રસંગ એક ફાયનાન્સીયલ પ્રેરણા આપી ગયો હશે... મને વહેંચવા જેવો લાગ્યો એટલે અહી શેર કર્યો... તમને જો આગળ શેર કરવાની ઈચ્છા થાય તો તમામ યુવાનોને શેર કરજો જેમણે ઈંટ ઈંટ ભેગી કરીને હજુ પોતાની ઈમારત જાતે જ બનાવવાની છે!

 

એ... આવજો...

 

ઉજ્જવલ વૈષ્ણવ

www.uvs.world


ENGLISH Readers Click Here

HINDI readers Click Here

 



મારી અન્ય બ્લોગ પોસ્ટ







My YouTube Channel








No comments :

//